मा विद्विषावहै

 દ્વિવચન અને मा विद्विषावहै ! 



એક વચન અને બહુ વચન - Singular and plural 

હું અને અમે -આપણે- 

તો વ્યવહારમાં પ્રચલિત છે પણ 

આ દ્વિવચન - એ સંસ્કૃતમાં શીખ્યા 

અને જ્યારે જ્યારે, જ્યાં જ્યાં , દ્વિવચન જોઉં 

ત્યાં ત્યાં ઉપનિષદ યાદ આવે. 

આવ, મારી પાસે આવી બેસ અને આપણે ભણીએ, શીખીએ, આત્મજ્ઞાન. 

Dialogue between the  Two.. 

મોનોલોગ- ફકત ભાષણ નહિ પણ 

ડાયલોગ-બે વચ્ચેનો  સંવાદ-અને 

સંવાદ ને સંવાદ જ માત્ર, વિતંડાવાદ નહિ. 

ચર્ચા ખરી પણ જેનું પરિણામ આવી શકે તેવી ચર્ચા. 

આ બધું શરું કરતા પહેલા એક "વીશ" કરવામાં આવે છે, મનમાં એક ભાવના પેદા થાય છે- એ શાંતિમંત્ર - ઉપનિષદ - શીખવાનું ચાલું કરતા પહેલા inaugural મંત્ર. 

આ મંત્ર કઠ, તૈતરિય અને શ્વેતશ્વેતર ઉપનિષદમાં આવે છે. 

અહીં બે જ જણની વાત છે એટલે સ્વભાવિક જ આખા મંત્રમાં દ્વિવચન નો ઉપયોગ છે. 


ॐ सह नाववतु ।

सह नौ भुनक्तु ।

सह वीर्यं करवावहै ।

तेजस्वि नावधीतमस्तु मा विद्विषावहै ।

ॐ शान्तिः शान्तिः शान्तिः ॥

-

અહીં -"સહ નૌ" માટે આ શુભેચ્છા છે. નૌ એટલે અમે બે- સહ - સાથે...

આ આખો મંત્ર અમારા બંનેના કલ્યાણ માટે છે. 

આ બે કોણ? 

" નૌ" એટલે કોઈ પણ બે- 

ગુરુ શિષ્ય- બે મિત્રો, પતિ પત્ની, પિતા પુત્ર... 

ભલે એક જરા વધારે જ્ઞાની હોય પણ એ એવું નથી કહેતો કે મારું તો કલ્યાણ થઈ જ ગયું છે- હું આ બધું તારા માટે કરું છું, ના, એવું નહિ, આવ બેસ મારી પાસે, 

આપણા બે ય માટે આપણે સારી ભાવના કરી પછી શીખીએ. 

-

સહ ના વવતુ- ખરેખર સંધિ છૂટી પડે તો-

સહ નૌ અવતુ 

અવતુ એટલે રક્ષણ કરો, રક્ષણ થાય. 

અમે બે અહીં " આરણ્યક" થઈ અરણ્યમાં બેઠા તો છીએ પણ અમારું રક્ષણ થાય- જીવજંતુ, ટાઢ તડકો, ખરાબ વિચારો, ચંચળતા- જે પણ અભ્યાસમાં વિઘ્ન કર્તા હોય તે બધાથી " અમારા બે ય" નું રક્ષણ થાય. 

-

સહ નૌ ભુનક્તુ 

અહીં ભુનક્તુ નો સાધારણ અર્થ પોષણ થાય, અમારા બે ય નું પાલન થાય, અમે જે કાર્ય માટે બેઠા છીએ એને માટે અમને શકતિ મળે. 

-

સહ વીર્યં કરવાવહૈ

અમે બંને સાથે આ જ્ઞાન મેળવવા પુરુષાર્થ કરીએ. કારણ આ સંવાદ છે, અને સંવાદમાં શીખનાર તો શીખે જ છે પણ શીખવનારે ય શીખે છે. કોઈ મનની વાત/ મુંઝવણ  જયારે બીજા પાસે બોલાય તો આપણે એને " Loud Thinking" કહીએ- અને ઘણીવાર બોલનારના મનમાં જે દ્વિધા હોય તે મોટેથી ફકત બીજાને કહેતા કહેતા જ સ્પષ્ટ થઈ જાય. એટલે નહિ કોઈ ઉચ્ચ સ્થાને ન કોઈ નીચા પગથિયે, 

ચાલ, આપણે બેઉ શીખીએ. 

-

તેજસ્વિનાવધીતમસ્તુ 

તેજસ્વિ નૌ અવધિતમ્ અસ્તુ,

જે પણ આપણે શીખીએ, એ બધું " તેજસ્વી" - સ્પષ્ટ થાય, કોઈ ગૂંચવાડો ન રહે, ફકત શબ્દોની માયાજાળ ન રહે, અર્થપૂર્ણ બને.

-

મા વિદ્વિષાવહૈ

આ મને ખૂબ ગમે છે. બે જણ સાથે રહે છે, વિચારવિમર્શ કરે છે એમાં એકબીજાનો દ્વેષ થવાની પૂરી સંભાવના છે. 

દ્વેષ થાય તો " ઉપનિષદ" ન થાય.

મંત્રમાં કહે છે, અમારો સંવાદ જળવાઈ રહે, misunderstanding ન થાય, હૂંસાતૂંસી ન થાય, વિતંડાવાદ ન થાય. 

આપણને એમ થાય કે આવા ઉપનિષદનો અભ્યાસ કરનાર વચ્ચે ય દ્વેષ થતો હશે? પણ, જેમ જ્ઞાન વધે તેમ " હું" મોટો થાય અને એકબીજાના " હું" ટકરાય. 

દ્વેષને કારણે જ વ્યકિતઓ એક બીજાથી દૂર રહેવા પ્રેરાય છે. અને નીકટ આવતાં જ વિખવાદ શરૂ થાય છે. 

અમે એક બીજાનો દ્વેષ ન કરીએ અને હળી મળીને કર્મો કરતા રહીએ એવી શકિત મળે. પરંતુ આવા વર્તનની અપેક્ષા તો જ રાખી શકાય જયારે આપણે આપણું શીખેલું અને અનુભવેલું બધું જ મન અને બુદ્ધિથી પચાવીએ. જે કાંઇ શીખીએ તેનો  વિચાર અને વિવેકથી ઉપયોગ કરીએ. 


ૐ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ

અમને જે વાત/ વસ્તુ/ વ્યકતિ/ બનાવ/ ઉપાધિ/ રોગ થી અશાંતિ થાય એવું હોય તો એ બધાથી પર જઈ અમે બે ય શાંત રહી શકીએ.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

યાજ્ઞવલ્કય -1

તમારી “ કિંમત” શું?